ખેતીની જમીનમાં કોમ્પ્લેક્ષનું બાંધકામ હોવાથી તેને તોડી નખાયું : ઉગ્ર વિરોધ વચ્ચે બે પીઆઇ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત મુકાયો, સમજાવટ બાદ વિરોધ શાંત પડ્યોમોરબી : મોરબી મહાપાલિકાની ટિમ અવની પાર્ક સોસાયટી સામેના એક કોમ્પ્લેક્ષને તોડવા માટે પહોંચી હતી. જ્યાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે સમજાવટ બાદ બે પીઆઇ સહિતના અધિકારીઓના બંદોબસ્ત વચ્ચે અંતે ડીમોલેશન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિનઅધિકૃત રીતે થઇ રહેલા 63 જેટલા બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આજથી જ દર શુક્રવારે નવા બાંધકામો તોડી પાડવાની ડ્રાઇવ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાપાલિકાની ટીમે આજે લખધીરવાસ ચોક અને આલાપ રોડ વિસ્તારમાં નવા બાંધકામો તોડ્યા છે. ત્યારે સાંજના સમયે મહાનગરપાલિકાની ટીમ અવની પાર્ક સોસાયટી સામે આવેલા વિસ્તારમાં પહોંચી હતી.જ્યાં એક કોમ્પ્લેક્ષનું બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં ડિમોલિશનની કામગીરીનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અહીં મહિલાઓ પિલર પાસે ઉભી રહી ગઈ હતી અને ન હટવાનું જણાવી રહી હતી. બાદમાં બે પીઆઈ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમજાવટ બાદ બાકી બે પિલર પણ ધ્વસ્ત કરી ડીમોલેશન કરી નાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જમીન મલિક તમામ જરૂરી હુકમો હોવાનો દાવો કરી રહ્યા હતા. જો કે મહાપાલિકાના અધિકારીઓ આ કોમ્પ્લેક્ષ ખેતીની જમીનમાં ઉભું હોવાનું જણાવી રહ્યા હતા.