સાંજના સમયે ભુજ અને નખત્રાણા પંથકમાં માવઠાથી ખેડૂતો ચિંતિત મોરબી : શિયાળામાં ઉનાળો અને ઉનાળાના પ્રારંભે જ હીટવેવની અસર વર્તાયા બાદ ગુરુવારે મૌસમે મિજાજ બદલતા કચ્છના ભુજ અને નખત્રાણા સહિતના અનેક વિસ્તારમાં સમીસાંજે કમોસમી વરસાદ વરસતા બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ઉલ્લખનીય છે કે, ગુરુવારે સવારે અને સાંજના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં ભેજનું પ્રમાણ ઉંચુ જોવા મળ્યા બાદ ભુજ અને નખત્રાણામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી દરિયાકાંઠાના વિસ્તાર તેમજ કચ્છ વિસ્તારમા ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવા અંગે ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે ગુરુવારે રાજકોટ, પોરબંદર, ઓખા, દ્વારકા, ભુજ અને કંડલામાં 80 ટકાથી વધુ ભેજ નોંધાયો હતો. બીજી તરફ સાંજના સમયે ભુજ અને નખત્રાણા પંથકમાં ઠંડા તેજ પવન ફૂંકાવાનું શરૂ થયા બાદ ક્યાંક છૂટાછૂટી તો ક્યાંક હળવા અને ભારે વરસાદી ઝાપટા વરસતા કચ્છ પંથકમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.