કોર્પોરેશન સ્વચ્છતા, દબાણ ઝુંબેશની જેમ ખાડા માટે પણ ઝુંબેશ ચલાવે તેવી માંગણી મોરબી : મોરબી શહેરમા રવાપર રોડ, શનાળા રોડ, પંચાસર રોડ, સામાકાંઠા રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર અનેક સ્થળોએ જીવલેણ ખાડા પડી ગયા હોવાથી અનેક નિર્દોષ લોકો ખાડામાં પડી-આખડી રહ્યા હોવાનું તેમજ ખાડાને કારણે વાહનોમાં નુકશાન થઇ રહ્યું હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ નાગરિકો મહાનગર પાલિકા જે રીતે સ્વચ્છતા ઝુંબેશ અને દબાણ હટાવ ઝુંબેશ ચલાવી રહી છે તે રીતે ખાડા હટાવ ઝુંબેશ પણ શરૂ કરે તેવી માંગ ઉઠાવી રહી છે.મોરબી શહેરમાં શનાળા રોડ અને રવાપર રોડ ઉપર અનેક જગ્યાએ ખાડાઓ હોવાની સાથે મહાનગર પાલિકાએ જે રોડને હેરિટેજ રોડ બનાવવાનું બજેટમાં જાહેર કર્યું છે તેવા નગર દરવાજા ચોકથી લઈ દરબાર ગઢ સુધીના માર્ગ ઉપર અનેક સ્થળોએ ખાડા પડી ગયા હોવાથી દરરોજ અનેક વાહનચાલકો અને રાહદારીઓ ખાડામાં ખાબકી રહ્યા છે. મુખ્ય રસ્તાઓ ઉપર ખાડાને કારણે લોકોને વાહનોમાં પણ નુકશાની સહન કરવી પડતી હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, શહેરના પ્રતિષ્ઠિત રામમહેલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર અશોકાલય, રામ પાન ચોક સહિતના સ્થળોએ મસમોટા ખાડા પડી ગયા હોવાથી લોકો ઉપર સતત અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. આ ઉપરાંત શહેરના સામાકાંઠા વિસ્તારમાં આંતરિક રસ્તાઓ તેમજ સો-ઓરડી મેઈન રોડ, પોસ્ટ ઓફિસ તેમજ અન્ય રોડ ઉપર પણ ખાડાઓનું સામ્રાજ્ય હોય મહાનગર પાલિકા દર અઠવાડીયે જે રીતે દબાણ હટાવ અને સ્વચ્છતા ઝુંબેશ યોજે છે તે જ રીતે ખાડા હટાવ ઝુંબેશ પણ શરૂ કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.