આરએન્ડબી વિભાગના અધિકારીઓ અને તાલુકા પોલીસની ટીમે સ્થળ પર દોડી જઈ ખાતરી આપતા મામલો થાળે પડ્યોમોરબી : મોરબીના ઘુંટુ ગામે રોડનું કામ નબળું થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે આરએન્ડબીના અધિકારીઓ અને પોલીસ ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઘુંટુ ગામના સરપંચ ગૌતમભાઈ કૈલાએ જણાવ્યું કે 2 મહિના પહેલા ગટરમાં ખાડા પડી ગયા હતા. ગટર તૂટી ગઈ હતી. આ મામલે કલેકટરને રજુઆત પણ કરી હતી. હાલ રોડનું કામ નબળુ થઈ રહ્યું છે. ગામની વસ્તી 15 હજારની છે. એમાં 4×3 મીટરનું અન્ડર પાસ આપ્યું છે. છગનભાઈ ભાડજાએ જણાવ્યું કે આજુબાજુ દબાણ ખૂબ વધી ગયું છે. કામ ચાલી રહ્યું હોય ત્યારે કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર આવતા જ નથી. માણસોના ભરોસે કામ ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ આ મામલે જણાવ્યું કે ગ્રામજનોની એવી માંગણી છે કે અન્ડરપાસ 4× 3 મીટરનું છે જે 6 ×3 મીટર પહોળું કરવામાં આવે. સર્વિસ રોડ પહોળા કરવામાં આવે. પાણીનો નિકાલ બંધ થઈ જતો હોવાથી આજુબાજુના દબાણો હટાવવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું કે સિટી ડિઝાઇન પ્રમાણેની ડ્રેઇન બનાવી છે. જેમાં ચાલી શકાય છે પણ વાહનનો વજન ન ખમી શકે. ગ્રામજનોએ વ્હીકલ લોડવાળી ડ્રેઇન કરી આપવાની માંગ કરી છે. તેઓને માંગણી મુજબ કામ કરી આપવાની ખાતરી આપવામાં આવી છે.