મોરબી : ભારતીય મજદૂર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના પીએમ પોષણશક્તિ નિર્માણ મધ્યાહન યોજના કર્મચારી સંઘના મોરબી જિલ્લાના કર્મચારીઓએ વિવિધ માગણીઓને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે.અખિલ ભારતીય મજદૂર સંઘ ગૌહાટી (આસામ) ખાતેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી થયા મુજબ ગુજરાત સરકાર સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલી માગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતાં કામદારો બજેટ પૂર્વે સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ મુદ્દે કોઈ જાહેરાત ન થતાં નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને તાકીદે જાહેરાત કરવા જણાવ્યું છે.જેમાં ખાનગીકરણના માધ્યમથી બજેટમાં 551 કરોડની ફાળવણી કરી ખાનગી સંસ્થોને કેન્દ્રીય રસોડાનો કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત અને જાહેર થયેલ ટેન્ડર તાકીદે રદ કરવામાં આવે. જે તે શાળામાં ઉપલબ્ધ રસોડામાં સ્થાનિક રસોઈયા દ્વારા બનતી રસોઈ જ ચાલુ રાખવાની માગ ઉઠી છે. આ યોજનામાં કામ કરતાં અસંગઠીત શ્રમિક તરીકે નોંધાયેલા કામદારોને સામાજિક સુરક્ષા સહિતના તમામ લાભો આપવા. 65 વર્ષ સુધી કર્મચારીઓને સેવામાં ચાલુ રાખવા સહિતની માગણીઓને લઈને કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું છે. જો આગામી દિવસોમાં આ અંગે જાહેરાત કરવામાં નહીં આવે તો પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવાયું છે.