મોરબી : પાણી પુરવઠાની બેદરકારીના કારણે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કોડેલ કંપની પાસે પાણીની લાઈનમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો બનાવીને જણાવ્યું છે કે, સવારથી જ પીવાના પાણીની લાઈનમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેના કારણે આખી ગટર પાણીથી ભરાઈ ગઈ છે.એક તરફ પીપળીયા અને સરવડ ગામમાં લોકોને છેલ્લા 10 દિવસથી યોગ્ય રીતે પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ પીપળીયા ચાર રસ્તા પાસે બેફામ પાણીનો વ્યય થઈ રહ્યો છે. તાજેતરમાં જ આ લાઈન રિપેર કરવામાં આવી હોવા છતાં લાઈનમાંથી પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો તાત્કાલિક ધોરણે આ પાણીનો વ્યય અટકાવવામાં આવે તેવી માગ ઉઠી છે.