મોરબી : મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા નેચરલ ગેસના ભાવમાં રાહત આપવા અને વેરા મસાધાન યોજના (વસુલાત રાહત યોજના) લાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના મેનેજિંગ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરીને જણાવાયું છે કે, હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ઘણા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. ડોલરનો ભાવ ઉંચો જતાં ઈન્ડસ્ટ્રીઝને મંદીનો બેવડો માર પડ્યો છે. વિશ્વ બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે. તો તેનો લાભ મોરબી સિરામિક ઉદ્યોગને આપી ગેસના ભાવમાં ઘટાડ કરવામાં આવે જેથી વિષમ પરિસ્થિતિમાં સિરામિક ઉદ્યોગ ટકી શકે.આ ઉપરાંત વર્ષ 2019-20માં વેરા સમાધાન યોજના અમલમાં આવી હતી. સામાન્ય રીતે દર પાંચ વર્ષે આવી વેરા સમાધાન યોજનાની સ્કીમ આવતી હોય છે. તેથી હવે 2024-25ના વર્ષમાં આ વેરા સમાધાન યોજનાની સ્કીમ લાવવા રજૂઆત કરાઈ છે. તેમજ વેટ કાયદા હેઠળની વસુલાત રાહત યોજના એક વર્ષ અગાઉ લગભગ દરેક રાજ્યમાં આવેલ છે જે ગુજરાત રાજ્યમાં આવેલ નથી. તેથી વેરા સમાધાન યોજના લાવી મૂળ વેરો ભરાવી દંડ+ વ્યાજમાં સંપૂર્ણ માફી આપવા વિનંતી કરાઈ છે.