પોલીસ વડાએ રીઢા ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહીના આદેશો આપતા હળવદ પોલીસ આકરા મૂડમાં : હોટેલમાં લેવાયેલ ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નખાયુંહળવદ : રાજ્યના પોલીસ વડાએ રીઢા ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહીના આદેશો આપતા હળવદ પોલીસ આકરા મૂડમાં દેખાઈ રહી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે ભાઈઓની હોટેલની તપાસ કરતા આ હોટેલ દબાણ હોવાનું સામે આવ્યું છે જેથી પાલિકાએ ડીમોલેશનની તૈયારી શરૂ કરી છે. તો બીજી તરફ વીજ કનેક્શન પણ ગેરકાયદેસર હોય તેને કાપી નાખવામાં આવ્યું છે.હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંકજ ચમનભાઈ ગોઠી તથા તેના ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી વિરુધ્ધમાં ઈંગ્લીશ દારૂના અને હથિયારના અને મારામારીના તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે. તે અસામાજિક તત્વોની કબજા ભોગવટાની હળવદમાં સામંતસર તળાવની પાળ પાસે હાઈવે નજીક આવેલ 'ઘરનો રોટલો' નામની હોટલ છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા DySP સમીર સારડાએ સૂચના આપતા પી.આઇ આર.ટી વ્યાસ સહિતની હળવદ પોલીસ ટીમે હોટલનું તપાસ કરી હતી. ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવતા પી.જી.વી.સી.એલ.સ્ટાફ કે.પી.પટેલ- જુનિયર એન્જિનિયર હળવદની ટીમને બોલાવીને આ કનેક્શન દૂર કરવામાં આવ્યુ હતું. અને આ અંગેની ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આશરે પાંચેક લાખ રૂપિયા જેવો દંડ થઈ શકે છે.આ હોટલ જ્યાં છે તે જગ્યાની બાંધકામ કરવા અંગે નગરપાલિકાની મંજૂરી લીધેલ નથી. આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવેલ છે જેથી આગામી સમયમાં નગરપાલિકા મારફતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જણાવાયુ છે.