અત્યાર સુધીમાં 150 જેટલા ગૌવંશને પકડી અલગ -અલગ ગૌશાળામાં મોકલાયામોરબી : મોરબી શહેરમાં રસ્તે રખડતા ઢોર અકસ્માત સર્જવાની સાથે અનેક નિર્દોષ લોકોને ઢીંકે ચડાવી રહ્યા છે ત્યારે અત્યાર સુધી કોન્ટ્રાકટર પાસે ઢોર પકડવાની કામગીરી કરાવનાર મહાનગર પાલિકાએ અપને હાથ જગન્નાથ ઉક્તિ મુજબ હવે કોન્ટ્રાકટ રદ્દ કરી જાતે જ ઢોર પકડવાનું શરૂ કર્યું છે. પ્રથમ તબક્કે રાત્રીના જ ઢોર પકડવાની કામગીરી કરતા કોર્પોરેશન તંત્રએ હવે દિવસે પણ ઢોર પકડવાનું શરૂ કરી સોમવારે એક જ દિવસમાં 10 ઢોર પકડ્યા હતા.મોરબી શહેરમાં નગરપાલિકા સમયથી રસ્તે રઝળતા ઢોર પકડવા માટે ખાનગી કોન્ટ્રાકટ આપવમાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાકટર યોગ્ય રીતે ઢોર પકડવાની કામગીરી કરવામાં ન આવતા તા.4 માર્ચથી મહાનગર પાલિકાએ પોતાની ટીમોને ઢોર પકડવા માટે મેદાનમાં ઉતારી હતી. વધુમાં મહાનગર પાલિકાની ટીમ દ્વારા અત્યાર સુધી રાત્રીના સમયે જ ઢોર પકડવામાં આવતા હતા જેમાં બદલાવ કરી આજે સોમવારથી દિવસે પણ ઢોર પકડવાનું શરૂ કરી લખધીરવાસ ચોકમાંથી સોમવારે 10 ગૌવંશને પકડી ગૌશાળામાં મોકલી આપવા કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં કોર્પોરેશનની ટીમે કુલ 150 જેટલા ગૌવંશ પકડી મોરબી, ટંકારા અને વાંકાનેરની જુદી જુદી 14 જેટલી ગૌશાળામાં મુકવામાં આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.માલિકીના પશુઓ છોડાવવા માટે કોઈ આગળ નથી આવતુંમોરબી શહેરમાં કોર્પોરેશન દ્વારા હવે લોકોને રસ્તે રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ અને રાત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઢોર પકડ ઝુંબેશમાં અનેક ગાયો માલિકોની હોવા છતાં પણ હજી સુધી કોઈ ગાયો પરત લેવા આવ્યું ન હોવાનું ડે. કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જો માલિકીની ગાયો પકડાઈ તો તેમને છોડાવવા માટે રૂપિયા 5000 રૂપિયા સુધીનો દંડ વસુલ કરવામાં આવશે.