4 દુકાનોના છાપરા- બોર્ડ અને 3 દુકાનોના ઓટલા તોડી નખાયા, ગંદકી કરતા દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવ્યામોરબી : મોરબી મ્યુનિસિપલ કમિશનરે આજે ગ્રીન ચોક વિસ્તારની વિઝિટ લઈ ત્યાં સ્વચ્છતાની કામગીરી બાબતે વેપારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ સાથે નડતરરૂપ દબાણો હટાવવાની સાથે દંડનીય કાર્યવાહી પણ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર સોમવારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સફાઈ અંગેનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આજે ગ્રીન ચોકની મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેઓએ વેપારીઓ પાસેથી સફાઈ યોગ્ય રીતે થાય છે ? કચરો કલેક્શન કરવાનું વાહન નિયમિત આવે છે ? તે સહિતની વિગતો મેળવી હતી. આ ઉપરાંત અહી 4 દુકાનના છાપરા અને બોર્ડ નડતરરૂપ હોય તેને દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે ત્રણથી ચાર દુકાનના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. વધુમાં દુકાનદારોને બહાર કચરો ન નાખવા સૂચના આપી હતી. ઉપરાંત જે દુકાનદારોએ રોડ ઉપર ગંદકી કરી હતી તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.