બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, પરિવારમાં ભારે શોક : ગત વર્ષે પણ આવા જ બે બનાવ બન્યા હતાહળવદ : હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામની સીમ વિસ્તારમાં ખેતરમાં થ્રેસર મશીન વડે ચણા કાઢવાનું કામ ચાલી રહ્યું હતું તે વેળાએ ખેડૂત યુવાન થ્રેસર મશીન પર ચડતી વેળાએ ઉપરથી પસાર થતો જીવતો વીજ વાયર અડી જતા ખેડૂત યુવાનનું વીજ સોકના કારણે મોત નીપજ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના લીલાપુર(ચંદ્રગઢ) ગામે રહેતા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા (ઉંમર વર્ષ 29) આજે સવારના તાલુકાના નવા ઇસનપુર ગામે ખેડૂતની વાડીએ ચણા કાઢવા માટે થ્રેસર મશીન લઈને ગયા હતા. થ્રેસર મશીનમાં ચણા કાઢવાની કામગીરી ચાલુ હતી તે વેળાએ પ્રકાશભાઈ થ્રેસર મશીન પર ચડી ટાંકીમાં કેટલા ચણા ભરાયા છે તે જોવા જતી વેળાએ ઉપરથી પસાર થતો 11 કેવીનો જીવતો વીજ વાયર અડી જતા ઘટના સ્થળે જ ખેડૂતનું નીપજ્યું હતું. બીજી તરફ બનાવના પગલે તાત્કાલિક આજુબાજુના ખેડૂતો ઘટના સ્થળ દોડી આવી પ્રકાશભાઈને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા.જોકે ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ખેડૂત પ્રકાશભાઈ ચાવડાને સંતાનમાં બે બાળકો હોય જેઓએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જ્યારે પરિવારમાં પણ ભારે શોક છવાયો છે. વધુમાં એક પણ જાણવા મળી રહ્યું છે કે પીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતના ખેતીમાંથી પસાર થતા વીજ વાયર અવારનવાર ખેડૂતોનો કે પછી ખેતશ્રમિકનો ભોગ લઈ રહ્યાં છે. ભૂતકાળમાં પણ આવા બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેથી પીજીવીસીએલ તંત્ર પણ જે વીજવાયર નીચે લટકી રહ્યા છે તેની યોગ્ય વ્યવસ્થા કરે તો ભવિષ્યમાં યુવાન ખેડૂતોએ જીવ ગુમાવો ન પડે.