દોઢ મહિનાથી પગાર ન થયો હોવાની રાવ, સોમવારે પગાર નહિ થાય તો સ્ટાફ હડતાલ ઉપર ઉતરશે તેવી જાહેરાતમોરબી : મોરબી મહાપાલિકાના ડ્રેનેજ વિભાગના સ્ટાફના પગારમાં અનિયમિતતા હોય છેલ્લા દોઢ મહિનાથી પગાર ન થયો હોવાની રાવ કરી તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે તેઓએ સોમવાર સુધીમાં જો પગાર નહિ થાય તો હડતાલ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.આ અંગે દિનેશભાઇ જીવાભાઈ ધોળકિયા નામના કર્મચારીએ જણાવ્યું કે ડ્રેનેજ વિભાગમાં 27 લોકોનો સ્ટાફ છે. દોઢ મહિનાથી પગાર થયો નથી. આજ થઈ જશે, કાલ થઈ જશે તેવા જવાબ મળે છે. પગાર સ્લીપ મળતી નથી, પીએફ એમનમ કપાઈ છે. તે અંગે પણ ખબર નથી. ડેપ્યુટી કમિશનરને રજુઆત કરી છે. ડેપ્યુટી કમિશનરે શનિવારે પગાર થઈ જશે એમ કહ્યું હતું પણ હજુ થયો નથી. ત્રણથી ચાર મહિનાથી પગાર સમયાનુસાર થતો નથી. મશીનમાં ફોટો પડાવો તોય હાજરી કપાઇ જાય છે. સોમવાર સુધીમાં પગાર નહિ થાય તો હડતાલ કરવામાં આવશે.આ મામલે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે રજાના કારણે વહીવટી પ્રક્રિયામાં મોડું થયું છે. બાકી તા.12 અને 13 આસપાસ નિયમિત પગાર થઈ જાય છે. આજે સાંજ સુધીમાં પગાર થઈ જવાનો છે.