મોરબી : મોરબીમાં સતવારા સમાજ દ્વારા આશરે 600 વર્ષ જૂની ધાર્મિક પરંપરા મુજબ હોળીના પર્વ નિમિત્તે શામજી બાપા તથા સુરતાદેવી-વાણી દેવીની શોભાયાત્રા રુપી જાન નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો વાજતગાજતે હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.મહત્વનું છે કે, સતવારા સમાજમાં આશરે 600 વર્ષ કરતાં વધુ સમયથી હોળીના પર્વ નિમિત્તે ધાર્મિક પરંપરા પ્રમાણે શામજીબાપા તથા સુરતાદેવી- વાણીદેવીની શોભાયાત્રા રૂપે જાન નીકળે છે. હોલિકા દહન બાદ ધૂળેટીની વહેલી સવારે શોભાયાત્રા રૂપે આ જાન નીકળી હતી જેમાં મામેરુ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાન મોરબીના વિવિધ વિસ્તારોમાં આશરે 20 કિલોમીટર જેટલી ફરી હતી. જેમાં વાજતગાજતે લગ્ન ગીતો તથા ભજન ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. આ દરમિયાન આશરે 2.5 લાખ રૂપિયા જેટલો ફાળો પણ એકત્ર થયો હતો. આયોજકોના જણાવ્યા પ્રમાણે આ ફાળા ઉપયોગ આખા વર્ષ દરમિયાન પક્ષીઓના ચણ અને શ્વાનના ભોજન માટે કરવામાં આવે છે. હોળીના પર્વ નિમિત્તે નીકળેલી શામજીબાપા તથા સુરતાદેવીની જાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.