મોરબી મહાનગર પાલિકાએ 20 કરોડની ગ્રાન્ટના આયોજનો કર્યા : 10 કરોડ રૂપિયા સીટી બ્યુટીફીકેશન માટે અને 10 કરોડ વહીવટી ક્ષમતા વધારવા માટેમોરબી : મોરબી શહેરમાં મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા સાથે જ સરકારમાંથી ગ્રાન્ટનો ધોધ વહેવો શરૂ થયો છે, મહાનગર પાલિકા બન્યાના એક જ મહિનામાં મુખ્યમંત્રી દ્વારા 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ 20 કરોડની ગ્રાન્ટમાંથી મહાનગર પાલિકા દ્વારા પોતાની કચેરી માટે સૌથી વધુ રૂ.4.35 કરોડનો ખર્ચ કરશે. એકંદરે 10 કરોડ રૂપિયા સીટી બ્યુટીફીકેશન માટે અને દસ કરોડ વહીવટી ક્ષમતા વધારવા માટે વપરાશે.મોરબી કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મહાનગર પાલિકા બન્યાના એક મહિના બાદ મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાંથી રૂપિયા10 કરોડ ઓફિસ સ્ટ્રેન્થિગ અને વહીવટી ક્ષમતા વધારવા માટે તેમજ રૂપિયા 10 કરોડ સીટી બ્યુટીફીકેશન માટે ફાળવી મહાનગર પાલિકા દ્વારા હાલ વિવિધ કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરાવમાં આવી રહી હોવાનું જાણવા મળે છે.કોર્પોરેશન દ્વારા ઓફિસ સ્ટ્રેન્થિગ અને વહીવટી ક્ષમતાની કામગીરી અંતર્ગત રૂ.50 લાખના ખર્ચે કોમ્પ્યુટર, સ્કેનર સહિતની ખરીદી, મિટિંગ હોલ માટે રૂ.50 લાખ, ઓફિસ સ્ટાફ સ્ટ્રેન્થિગ માટે રૂ.3.60 કરોડ, બિલ્ડીંગ રીનોવેશન અને ફર્નિચર માટે રૂ.4.35 કરોડ, મિલકતોના જીઆઇ મેપિંગ માટે રૂપિયા 1.5 કરોડ તેમજ મહાપાલિકાની વિવિધ મિલકતોની દેખરેખ માટે રૂપિયા 1.5 કરોડ ખર્ચ કરવા આયોજન કરવામાં આવ્યું છે.બીજીતરફ સીટી બ્યુટીફીકેશન કામગીરીમાં મહાનગર પાલિકા દ્વારા શહેરની વિવિધ દીવાલો ઉપર ચિત્રનગરી ઉભી કરવા વોલ પેન્ટિંગ માટે અંદાજે રૂપિયા 1 કરોડ, સ્ટ્રીટલાઈટ મેઇન્ટેનન્સ માટે રૂ.30 લાખ, ડ્રેનેજ રીપેરીંગ માટે રૂ.1.80 લાખ, મશીનો દ્વારા સફાઈ માટે રૂ.1.5 કરોડ, બગીચાઓના રીનોવેશન માટે રૂ.1.80 કરોડ, આઉટ સોર્સીંગથી 200 જેટલા વધારાના સફાઈ કર્મીઓ માટે રૂ.3 કરોડ અને ગાર્બેજ સ્પોટ કલેકશન માટે રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.