હળવદ : હળવદ બસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રા-દ્વારકા પૂનમ સ્પેશિયલ લકઝરી બસનું હળવદના નગરજનો દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે ઝૂમી અને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બસના ડ્રાઈવર અને કંડકટરને ફૂલહાર પહેરાવી તેમનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, હળવદ વિસ્તારના ભાવિકો પૂનમ ભરવા માટે દ્વારકા જતા હોય છે પરંતુ ત્યાં જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ પૂનમ સ્પેશિયલ બસ એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરતા હાજર સૌ લોકોએ આ બસ રૂટ શરૂ કરવા બદલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત આ બસ રૂટ શરૂ કરવા માટે રજૂઆત કરનાર શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત એસ.ટી વિભાગના અધિકારી વિભાગીય નિયામક કરોતરા અને ડી. ટી. ઓ. ડાંગરનો આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, બજરંગદળના પ્રદેશ સંયોજક ભાવેશભાઈ ઠક્કર, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કેતનભાઈ દવે, રવિભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરીયા, ભરતભાઈ કરોતરા, અશોકભાઈ તારબુંદીયા, જતીનભાઈ રાવલ, વી.કે.મકવાણા સહિત બહોળી સંખ્યા ગ્રામજનોએ આ પૂનમ સ્પેશિયલ બસ રૂટને ઉત્સાહભેર આવકારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક કન્ટ્રોલર અનિલભાઈ દલવાડીએ ભારે જહેમત ઉઠાવી હતી.