શહેરભરમાં અબાલ - વૃદ્ધ સહિત સૌ કોઈ આત્મીયતાના રંગે રંગાયામોરબી : મોરબીમાં આસુરી શક્તિના વિજય રૂપે ગઈકાલે ઠેરઠેર હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું અને લોકોએ હોલિકા માતાની પ્રદીક્ષણા કરીને દુર્ગુણોની આહુતિ આપી હતી. જ્યારે આજે રંગોત્સવની નિર્દોષ મસ્તી ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે અને અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ આત્મીયતાના રંગે રંગાઇ રહ્યા છે.મોરબીમાં ગઈકાલે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિસ્તારના મુખ્ય ચોકમાં શ્રધ્ધાભેર હોળીને પ્રગટાવવામાં આવી હતી. લોકોએ ધાણી, દાળિયા,શ્રી ફળ સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણોરૂપી આસુરી શક્તિનું દહન કરવાની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી. હોળીની છેલ્લી ઘડીએ લોકોએ બજારમાં રંગોત્સવ માટે વિવિધ જાતની પિચકારીઓ અને હર્બલ કલરની ભારે ખરીદી કરી હતી. જ્યારે આજે રંગોત્સવ છે. તેથી, શેરીએ ગલીએ વિવિધ રંગોની બોછાર ઉડી રહી છે. નાનાથી માંડીને મોટેરાઓ પોતાના પરિવાર, સ્નેહીજનો, સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવ મનાવી રહ્યા છે. આમ હાલ હર્ષોલ્લાસ સાથે રંગોનું પર્વ ઉજવાય રહ્યું છે.