સીરામીક ઉદ્યોગના સૌથી મોટા સંગઠનમાં હવે સુકાનીઓનું ઈલેક્શન થશે કે સિલેક્શન ? તેના ઉપર સૌની નજરમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગના સૌથી મજબૂત અને મોટા ગણાતા મોરબી સીરામીક એસોશિએશનમાં વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સના પ્રમુખની મુદત પૂર્ણ થઈ રહી હોય આ બંને વિભાગોના પ્રમુખોએ રાજીનામાં આપ્યાનું સામે આવ્યું છે. હવે ટૂંક સમયમાં જ સીરામીક એસોશિએશનના નવા સુકાનીઓ નક્કી થશે. જો કે, આ સંગઠનમાં મોટાભાગની નિમણુંક સિલેક્શનથી જ થતી હોય આ વખતે ઈલેક્શન થશે કે સિલેક્શન તેના પર સૌની નજર મંડાયેલી છે.વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ક્લસ્ટરમાં મોરબી સીરામીક એસોશિએશન મજબૂત અને મોટાગજાનુ સંગઠન છે. સંગઠનના બંધારણ મુજબ બે વર્ષ માટે જુદા-જુદા ચાર સંગઠન પ્રમુખ નક્કી કરવામાં આવે છે. જેમાં હાલમાં વિટ્રીફાઈડ, ફ્લોર સીરામીક એસોસીએશનના પ્રમુખની મુદત પૂર્ણ થઇ રહી હોય વિટ્રીફાઈડ એસોસીએસન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને ફ્લોર ટાઇલ્સ એસોસીએશનના પ્રમુખ વિનોદ ભાડજાએ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે. વધુમાં આ બાબતે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમારા બન્નેની ટર્મ પૂર્ણ થતા રાજીનામુ આપ્યું છે.બીજી તરફ મોરબી સીરામીક એસોસીએશનના બંધારણ મુજબ કોઈપણ પ્રમુખ વધુમાં વધુ બે જ ટર્મ સુધી પ્રમુખ પદ માટે રહી શકતા હોય છે ત્યારે રાજીનામુ આપનાર પ્રમુખ પણ બબ્બે ટર્મ સુધી પ્રમુખ રહ્યા હોય હવે દાવેદારી નહીં કરનાર હોવાનું પણ જાણવા મળે છે. બીજી તરફ ટૂંક સમયમાં જ મોરબી સીરામીક એસોશિએશનમાં વિટ્રીફાઈડ, ફ્લોરના પ્રમુખની નિમણુંક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે