લોકો હોળીની પ્રદીક્ષણા કરીને નાળિયેર,ખજૂર, ધાણી, પતાસા હોમશેમોરબી : સીરામીક નગરી મોરબીમાં દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હોળી અને ધુળેટીની ઉજવણી માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે શહેર - જિલ્લામાં હોલિકાનું દહન કરવામાં આવશે. હોળી-ધુળેટીના તહેવારને લઈ છેલ્લી ઘડી સુધી બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે. બજારોમાં ખજૂર, પતાસા, ધાણી, દાળિયા ટોપરું હારડા તેમજ અવનવી પિચકારી અને રંગબેરંગી કલરોની ઓણસાલ ધૂમ ખરીદી નીકળી હતી.મોરબી શહેર અને જિલ્લામાં આજે ચોકે ચોકે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. લોકો હોળીની પ્રદીક્ષણા કરીને નાળિયેર,ખજૂર, ધાણી, પતાસા હોમી પોતાના ભીતરમાંથી આસુરી શક્તિનું દહન કરવાની પ્રાર્થના કરશે. ઓણસાલ હોળી અને ધુળેટીના રંગોત્સવ મનાવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના નવા ડેલા રોડ, પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારમાં હોળી-ધુળેટીની ભારે ભીડ જોવા મળી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં આ વર્ષે 50 લાખના ધાણી, દાળિયા, ખજૂર અને હારડા સહિતની સામગ્રીનું વેચાણ થશે. હોળી માટે ખજૂર તેમજ પિચકારી અને કલરોની લોકોએ ધૂમ ખરીદી કરી હતી.ખજૂર અને ધાણીના ભાવમાં ભાવ વધારોહોળીના તહેવારમાં ધાણી, દાળિયા, ખજૂર અને હારડાનું વિશેષ મહત્વ રહેલું છે, ગરીબ તવંગર તમામ લોકો શુકન પૂરતા પણ ધાણી - દાળિયા અને ખજૂર ખરીદતા હોય છે ત્યારે ઓણસાલ ધાણીના ભાવમાં 50 રૂપિયાના વધારા સાથે કિલોગ્રામના ભાવ 400 રૂપિયા પહોંચ્યા હોવાનું અને ખજૂરના ભાવમાં ગતવર્ષની તુલનાએ 10 ટકાના વધારા સાથે બજારમાં 120થી લઈ 360ના ભાવે પ્રતિકિલો ખજૂર વેચાતો હોવાનું જાણવા મળે છે.મોરબી ડેપોએ એક્સ્ટ્રા બસ દોડાવી કમાણી કરીમોરબી જિલ્લામાં વસવાટ કરતા દાહોદ અને ગોધરા જિલ્લાના વતની શ્રમિકો હોળીના તહેવારમાં વતન જતા હોય મોરબી એસટી વિભાગીય ડેપો દ્વારા આ વર્ષે છેલ્લા ત્રણથી ચાર દિવસથી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે જેમાં તા.10ના રોજ 70 હજાર અને 11ના રોજ 92 હજારની વધારાની આવક મેળવી શ્રમિકો માટે વધારાની બસ દોડાવી હતી. બુધવારે પણ એસટી વિભાગે વધુ ચાર એક્સ્ટ્રા બસ દાહોદ-ગોધરા માટે દોડાવી છે. સાથે જ ધુળેટીએ દ્વારકા માટે વધારાની એક બસ દોડાવવામાં આવનાર હોવાનું એસટી વિભાગે જાહેર કર્યું હતું.