સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલી દુકાનોનો નગરપાલિકાએ પોલીસની ટીમોને સાથે રાખી કડુસલો બોલાવી દીધોમોરબી : માળિયા મિયાણા પંથકમાં આજે ફરી ઓપરેશન ડીમોલેશન ચલાવવામાં આવ્યું છે. આજે માળિયા નગરમાં એક રીઢા ગુનેગારે સરકારી જમીન ઉપર ખડકેલી 11 દુકાનો સહિત કુલ 44 દુકાનો તોડી નાખવામાં આવી છે. જેને પગલે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે. આ અંગે વિગતો આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું કે માલિયામાં વાગડીયા ઝાપા પાસે હાઇવે ટચ અને મેઈન બજારમાં દુકાનોના દબાણ હટાવવામાં આવ્યા છે. જેટલા રીઢા ગુનેગારો છે તેનો સર્વે કરી તેઓની ગેરકાયદેસર મિલકતો છે તેને પાડી દેવામાં આવશે. આ અંતર્ગત માળિયામાં ફારૂક હબીબ જામ નામનો આરોપી જે અગાઉ 302, 307, પ્રોહીબિશન, રાયોટિંગ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ હોય તેની દુકાનોનું દબાણ પણ તોડી નાખવામાં આવ્યું છે. આ વેળાએ 3 પીઆઇ, 4 પીએસઆઈ અને 60 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે જણાવ્યું કે માળિયા નગરપાલિકા વિસ્તાર વાગડીયા ગેટ આજુબાજુ અને મેઈન બજારમાં ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સરકારી જમીન ઉપર ઉભી કરવામાં આવેલી 29 કાચી દુકાનો અને 15 પાકી દુકાનો મળી કુલ 44 દુકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં 11 દુકાનો એક આરોપીની છે.