મોરબી : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને ખીલવવા અને વિકસાવવા માટે બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાએ લોક વાદ્ય સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો છે.મોરબીના શારદા સંગીત વર્ગના વિદ્યાર્થી નક્ષ ચંદ્રકાંતભાઈ અગોલાએ સૌપ્રથમ તાલુકા, ત્યારબાદ જિલ્લા અને ત્યારબાદ મધ્ય ગુજરાત ઝોન કક્ષાએ અને ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ લોક વાદ્ય સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. નક્ષ અગોલાએ તૈયારી કરાવનાર શિક્ષક તુષારભાઈ ત્રિવેદી અને ભાર્ગવભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કક્ષાએ નામ રોશન કરી મોરબી જિલ્લાનું અને શારદા સંગીત વર્ગ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શારદા સંગીત વર્ગ તરફથી નક્ષ અગોલાને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.