શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળીના દર્શન માટે લોકોની ભીડમોરબી : આસુરી શક્તિ ઉપર ઈશ્વરીય શક્તિના વિજયના દિવસે એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતી હોલિકા દહનની પરંપરા અન્વયે આજે રાત્રે મોરબી શહેરના અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શુભમુહૂર્તમા હોલિકા દહન કરવામાં આવ્યું હતું. શહેર તથા ગ્રામ્યનાં અનેક વિસ્તારમાં પરંપરાગત સૌથી વિશાળ હોળી યોજાતી હોય દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.મોરબી શહેરના વિવિધ વિસ્તારોમા વિશાળ હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રદક્ષિણા કરી હતી. સાથે જ નવ પરણિત યુગલો અને નવા જન્મેલા બાળકોને પણ હોલિકાની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. લોકોએ ધાણી અને દાળિયા હોમી હોળીના દર્શન કર્યા હતા. આ સાથે મોરબી જિલ્લાના તમામ નગરો અને અને ખાસ દરેક ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી લોકોએ આસ્થાભેર ઉજવણી કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની રાત્રીએ રમાતી પરંપરાગત રમતોનો પણ લોકોએ લ્હાવો લીધો હતો. બીજી તરફ બાળકોમાં પણ આવતીકાલે ધુળેટીનો પર્વ ઉજવવાનો હરખ જોવા મળી રહ્યો છે. બાળકોએ કલર, પિચકારી સહિતના પોતાના સાધનો આવતીકાલ માટે સજ્જ કરી લીધા છે.