કેનાલનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી 16 માર્ચથી પાણી છોડવાનું બંધ કરી દેવાશે : કેનાલ ઉપર સંપૂર્ણ રીતે નિર્ભર ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અપીલમોરબી : નર્મદા કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવનાર હોવાથી મોરબી અને માળિયા શાખા નહેરમાં 16 માર્ચથી બે મહિના સુધી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. જેથી જે ખેડૂત સંપૂર્ણ રીતે કેનાલ ઉપર નિર્ભર છે તેઓને ઉનાળુ પાક ન લેવા નર્મદા નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર શાખા નહેર, લીંબડીનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી અને સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર તથા અમદાવાદ જીલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની લીંબડી શાખા નહેર, મોરબી શાખા નહેર, માળીયા શાખા નહેર અને બોટાદ શાખા નહેર તેમજ તેમાંથી નીળતી વિશાખા, પ્રશાખા વિગેરે નહેરોમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોને જાણ કરવામાં આવે છે. કે આ શાખા નહેરોમાં તા. ૧૬/૦૩/૨૦૨૫ થી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવનાર છે જેથી આ નહેરો ઉપર આધારીત ઉનાળુ પાકનું કોઈ પણ જાતનું વાવેતર કરવું નહી. તેમજ નહેરમાં પાણી છોડવવા માટે આગ્રહ રાખવો નહી. આમ છતાં પણ જો કોઈ પાકનું વાવેતર કરવામાં આવશે તો તે અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી નર્મદા નિગમની રહેશે નહી અને પાક નિષ્ફળ જવા બાબતે ખેડુતનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય રાખવામાં આવશે નહી. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર અને અમદાવાદ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમ લિ.ની નહેરો ઉપર બિનઅધિકૃત રીતે મુકેલા મશીનો,પમ્પો,બકનળીઓ હટાવી, ખસેડી લેવા, અન્યથા કાયદાકીય રીતે તેમના મશીનો,પમ્પો, બકનળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે. નહેરનાં બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલ જમીનમાં હવે પછી કોઇ પણ પ્રકારનું વાવેતર કરવું નહી. અગાઉ વાવેતર કરેલ હોય તો આ જાહેર નોટીસની તારીખથી દિન-૫માં સંપાદિત જમીન ખુલ્લી કરી આપવા જણાવવામાં આવે છે. આ અંગે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી જે તે ખાતેદારની રહેશે.આ અંગે મોરબી શાખાના અધિકારી પી.ડી.વસાવા દ્વારા જણાવાયુ કે નર્મદા નિગમ દ્વારા 16 માર્ચથી લઈ 15 મે સુધી પાણી છોડવામાં નહિ આવે. કેનાલના રીપેરીંગ કામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જે ખેડૂતો સંપૂર્ણ રીતે કેનાલ ઉપર નિર્ભર છે તેઓ ઉનાળુ પાકનું વાવેતર કરશે તો નુકસાનની શકયતા રહેલી છે. જેથી ખેડૂતોને આગોતરી જાણ કરી અપીલ કરવામાં આવે છે કે કેનાલમાં બે મહિના પાણી નહિ રહે. જેથી ઉનાળુ પાકનું વાવેતર ન કરે.