પૂનમના આગલા દિવસે રાત્રે 9 કલાકે ધ્રાંગધ્રાથી બસ ઉપડશે અને 9:30 કલાકે હળવદ બસ સ્ટેન્ડ પહોંચશે હળવદ : હળવદ અને ધ્રાંગધાના નાગરિકો માટે ખુશીના સમાચાર છે બંને તાલુકામાંથી દ્વારિકાધીશ મંદિરે પૂનમ ભરવા માટે અનેક લોકો જતા હોય છે. ત્યારે તેઓ માટે એસટી વિભાગ દ્વારા દ્વારકા સુધીની પૂનમ સ્પે. 2×2 લકઝરી બસ સેવા શરૂ કરવામાં આવી છે.ધ્રાંગધ્રા અને હળવદથી દ્વારિકા જવા માટે એક માત્ર બસ જે અમદાવાદથી દ્વારિકા જતી હતી. જે કાયમ આગળથી જ બસ પેસેન્જરોથી ભરાયેલી હોય જેથી હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના લોકોને આ બસ સેવાનો લાભ મળી શકતો નહોતો. એટલે સ્પેશિયલ વાહન ભાડે બાંધી ને જવું પડતું હતું. અથવા તો સુરેન્દ્રનગર જઈ અને ટ્રેનમાં કે મોરબીથી બસમાં જવું પડતું હતું. આમ દ્વારિકાધીશ મંદિર નિત્ય પૂનમ ભરતા ભાવિકોને દ્વારિકા પહોંચવા અગવડતા પડતી હતી. આ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા અને શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેને થતા તેઓ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ ચંદુભાઈ શિહોરાને રજૂઆત કરી સાથે એસ.ટી વિભાગના વિભાગીય નિયામક કારોતરાને રૂબરૂ રજૂઆત કરતા ડી. ટી. ઓ ડાંગર દ્વારા પૂનમ સ્પેશિયલ 2× 2 લકઝરી બસ સેવા ચાલુ કરાવી છે> જેનો શુભારંભ 13 તારીખને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે ધ્રાંગધ્રા ડેપો ખાતેથી થશે. આ બસ 9:30 કલાકે હળવદ પહોચશે અને ત્યાંથી દ્વારિકા જવા માટે રવાના થશે. જે વહેલી સવારે દ્વારિકા પહોંચશે અને મંગળા આરતીનો લાભ ભાવિક ભક્તોને મળી રહેશે. જ્યારે આ બસ રિટર્ન પૂનમના દિવસે બપોરે 2 કલાકે દ્વારિકાથી ઉપડશે. ત્યારે આ સેવાનો લાભ લેવા હળવદ અને ધ્રાંગધ્રા સહિત આસપાસના ભાવિક ભક્તોને અનુરોધ કરવામાં આવે છે. આ બસ સેવાનું ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે.