મંગળવારે ભુજમાં 42.4 અને રાજકોટમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન મોરબી : ઉનાળાના પ્રારંભ સાથે જ આગ ઓકતી ગરમીની શરૂઆત થઇ છે ત્યારે મંગળવારે રાજકોટ અને ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે બુધવારે રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છ માટે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજકોટ પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી જશે સાથે જ લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા તેમજ તરસ ન લાગી હોય તો પણ સતત લીંબુપાણી, ઓઆરએસ તેમજ પાણી પીવા માટે સલાહ આપી છે. વધુમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દરમિયાન હવામાન વિભાગે જારી કરેલા એલર્ટમાં ગુરુવારે પણ રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર તેમજ દરિયાકાંઠાના પોરબંદર અને ભાવનગર જિલ્લામાં પણ ગુરુવારે ગરમી આકરો મિજાજ બતાવશે તેવી આગાહી કરવામાં આવી છે. મંગળવારે રાજ્યમાં ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. ભુજમાં મહત્તમ તાપમાન 42.4, રાજકોટમાં 42.3, ડિસા અને અમરેલીમાં 41.6, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 41.2, પોરબંદરમાં 41.0, સુરતમાં 40, ભાવનગરમાં 39.7 અને દીવમાં 36.0 મહત્તમ તાપમાન નોંધાયું હતું.