વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ દ્વારા લેખિતમાં રજુઆત વાંકાનેર : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મહિલા સદસ્યો તથા મહિલા સ્ટાફ માટે લેડીઝ રૂમ અને તમામ સદસ્યો માટે બેઠક રૂમની ફાળવણી કરવા વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વાંકાનેર વોર્ડ નં.2 નગરપાલિકાના સદસ્ય જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી અને વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાને લેખિતમાં માગ કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓ માટે લેડીઝ રૂમની વ્યવસ્થા કરવાની જરૂર છે. જેમાં મહિલાઓ માટે પીવાનું પાણી, બાથરૂમ-ટોઈલેટની સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય છે. વાંકાનેર નગરપાલિકાના 50 % સદસ્યો મહિલાઓ છે. તેઓ નાગરિકોના કામ માટે નગરપાલિકા કચેરી ખાતે આવતા હોય છે. તેઓને લાંબા સમય સુધી બેસવું પડતું હોય છે. મહિલા તરીકે તેઓ લાંબા સમય સુધી કોઈ અધિકારી કે પદાધિકારીની ઓફિસમાં લાંબા સમય સુધી બેસી ન શકે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નગરપાલિકાની મહિલા સદસ્યો તથા મહિલા સ્ટાફની સેનેટાઈઝેશન, પ્રાઇવસી, ઇજ્જત, આબરૂ અને માભો જળવાઈ રહે તે માટે વાંકાનેર નગરપાલિકાના તમામ સદસ્યો માટે પીવાના પાણી, ટોયલેટ-બાથરૂમ, મહિલા સદસ્યો માટે લેડીઝ રૂમ અને બેઠક રૂમ સહિતની વ્યવસ્થા કરવા માગ કરવામાં આવી છે.