ઘેર એકલી રહેલી સગીરા સાથે બળજબરી કરી પિતા-ભાઈને મારી નાખવા આપી હતી ધમકી મોરબી : મોરબીમાં વર્ષ 2022માં દિવાળીના તહેવાર સમયે જ ઘરે એકલી રહેલી સગીરા સાથે બળજબરી કરી પાડોશમાં રહેતા રીક્ષા ચાલક ઢગાએ દુષ્કર્મ ગુજારતા આ ચકચારી કેસમાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રિક્ષાચાલકને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી 35,100 દંડ ફટકારતો હુકમ કર્યો છે. સાથે જ ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખ વળતર અને આરોપી જે દંડ ભરે તે રકમ ચુકવવા પણ હુકમ કર્યો હતો.આ ચકચારી કેસની વિગત જોઈએ તો વર્ષ 2022માં મોરબી શહેરના પચ્ચીસ વરિયા વિસ્તારમાં દિવાળીના તહેવાર સમયે જ આરોપી નરસી નથુભાઈ સોલંકી ઉ.33 નામના રીક્ષા ચાલક શખ્સે સગીરાના ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઈ ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતા આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા અદાલતે પુરાવાઓ અને સરકારી વકીલ નીરજભાઈ ડી.કારીયાની દલીલો ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી આરોપી નરસી નથુભાઈ સોલંકીને આજીવન એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદ અને 35,100 દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સાથે જ અદાલતે ભોગ બનનારને સરકારની વળતર યોજના અન્વયે 4 લાખ રૂપિયા તેમજ આરોપી દંડની રકમ ભરે તે મળી 4,35,100 ચૂકવવા આદેશ કર્યો હતો.