લગે હાથ 13 જેટલા દબાણો પણ હટાવ્યા, પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરીમોરબી : મોરબીમાં મ્યુનિસિપલ કમિશનરે આજે ફિલ્ડમાં ઉતરીને અનેક વિસ્તારોમાં સ્વચ્છતાને લઈને ચેકીંગ કર્યું હતું. જેમાં મહાપાલિકાની ટિમ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને લોકો પાસેથી પણ તેઓએ માહિતી મેળવી હતી. આ સાથે જ લગે હાથ મ્યુનિસિપલ કમિશનરે દબાણ હટાવ ઝુંબેશ અને પ્લાસ્ટિક જપ્ત ઝુંબેશ પણ કરી નાખી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા આજે લાતી પ્લોટ મેઈન રોડ, વજેપર, મતવા ચોક, કાલિકા પ્લોટ, કન્યા છાત્રાલય રોડ, હાઉસિંગ બોર્ડ, માર્કેટ યાર્ડ સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્વચ્છતાને લઈ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે ત્યાંના લોકો પાસેથી પણ ડોર ટુ ડોર કલેક્શનનું વાહન ક્યારે આવે છે ? કચરો સાફ કરવા સ્ટાફ ક્યારે આવે છે ? તે સહિતની વિગતો મેળવી હતી. ઉપરાંત ડોર ટુ ડોર કલેક્શનના વાહનનું જે સેડ્યુલ હોય છે તેનું પણ ચેકીંગ કર્યું હતું. આ વેળાએ ગંદકી ફેલાવતા હોય તેવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ. 9 હજાર નો દંડ વસુલવામાં આવ્યો હતો. ઉપરાંત લાતી પ્લોટ પાસે 10 છાપરા અને ઓટલા દૂર કરવામાં આવ્યા હતા. જુના બસ સ્ટેન્ડ પાછળ ઓટલો દૂર કરવામાં આવ્યો હતો તેમજ કન્યા છાત્રાલય રોડ ઉપર એલ છાપરું દૂર કરવામાં આવ્યુ હતું. જ્યારે માર્કેટ યાર્ડમાં 2 દુકાનોમાંથી 21 કિલો પ્રતિબંધ પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. તેને રૂ.13 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.