વાંકાનેરના રાજવી પરિવારના 17 વર્ષ જૂના મિલકતને લગતા કેસનું પણ સુખદ સમાધાનમોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી.પી. મહીડા તથા સચિવ ડી. એ. પારેખના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મિયાણા) ખાતે તારીખ 8 એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ- 1988 અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- 138ના કેસો, લગ્ન સંબંધી ફેમેલી કેસો, મહેસૂલના કેસો, ભરણપોષણના કેસો, એલ. એ. આર.ના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજૂર અદાલતના કેસો, ટ્રાફિક ઈ- ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના બેંકના વગેરે વીજળી તથા પાણીના કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. 8 માર્ચના રોજ યોજાયેલી આ લોક અદાલતમાં પેન્ડિંગ કેસોમાંથી કુલ 5987 કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 3256 કેસનો સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો અને આશરે 10 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના કુલ 4752 પ્રિ-લીટીગેશનના કેસો મૂકવામાં આવ્યા હતા અને જેમાંથી 1191 કેસોમાં સમાધાન થયું હતું અને આશરે 1.14 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતા. તેમજ ઈ-ચલણના કુલ 861 કસો પૂરા થયા હતા. જેનાથી કુલ રકમ રૂપિયા આશરે પાંચ લાખ જેટલી વસુલાત કરવામાં આવી હતી.વધુમાં વાંકાનેર તાલુકાના રાજવી પરિવાર રણજીતસિંહ તથા સ્વ. દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના વારસદારો વચ્ચે આશરે 17 વર્ષ જૂના સ્થાવર તથા જંગમ મિલકતના વિખવાદને લગતા દીવાની તકરારનો રાજવી પરિવારના સભ્યો વચ્ચે તેઓના વકીલના સહયોગથી સુખદ સમાધાન થતા રાજવી પરિવાર દ્વારા પણ હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.