માળીયા મિયાણાના ખાખરેચી ગામે સાસરિયાઓ શંકા કરી દહેજ માંગતા પરિણીતાએ કેરોસીન છાંટી જાત જલાવી હતી મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે વર્ષ 2016માં પરિણીતા ઉપર ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરી પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ ગુજારતા હોવાની સાથે માવતરેથી દહેજ લાવવા દબાણ કરતા હોય પરિણીતાએ કેરોસીન છાંટી આપઘાત કરી લેતા આ બનાવમાં મોરબીની સ્પેશિયલ ફાસ્ટટ્રેક કોર્ટે આરોપી પતિને પાંચ વર્ષની કેદ તેમજ 21 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જો કે, પરિણીતાના સાસુ-સસરાને અદાલતે નિર્દોષ ઠેરવ્યા હતા.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2016માં માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા પુષ્પાબેન જયેશભાઇ પારજીયાએ કેરોસીન છાંટી આપઘાત કરી લેતા બનાવ અંગે મૃતકના માતા સવિતાબેન વીરજીભાઈ કાલરીયા રહે.રોહિશાળા તા.માળીયા મિયાણા વાળાએ જમાઈ જયેશ ચંદુભાઈ પારજીયા, સાસુ લલીતાબેન ચંદુભાઈ પારજીયા અને સસરા ચંદુભાઈ લાલજીભાઈ પારજીયા વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં પોતાની દીકરીને મરવા મજબુર કરવા તેમજ દહેજ માંગવા બાબતે દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મોરબીની ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો તેમજ મૌખિક અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપી પતિ જયેશ ચંદુભાઈ પારજીયાને પાંચ વર્ષની કેદની સજા તેમજ 21 હજારનો દંડ ફટકારતો હુકમ કરી સાસુ અને સસરાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.