હીપ રીપ્લેસમેન્ટની સારવારના રૂ.૨.૬૩ લાખ અને ખર્ચ પેટે રૂ.૭ હજાર ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશમોરબી : મોરબીમાં નાયબ મામલતદારની સર્જરીના પૈસા ચૂકવવાનો નનૈયો ભણનાર વીમા કંપનીને મોરબી ગ્રાહક તકરાર નિવારણ અદાલતે લપડાક સમાન ચુકાદો આપીને બીલની રકમ ઉપરાંત રૂ.૭ હજાર ખર્ચની રકમ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાયબ મામલતદાર જયદિપસિંહ એસ. ઝાલાએ મેડીકલ પોલીસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી લીધી હતી. તેમને જમણા પગમાં હીપ રીપ્લેસમેન્ટની ફરિયાદ હોઈ અમદાવાદની આલોક હોસ્પીટલમાં દાખલ કરાયા હતા અને ત્યાં સારવાર કરાવેલી હતી. તેની સારવારનું બીલ રૂા. ૨,૬૩,૬૨૭/- આવ્યું હતું. આ બીલના તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં આપ્યા હતા. પોલીસીમાં એવુ જણાવેલ છે કે કુટુંબનો કોઈપણ સભ્ય બીમાર પડે તો વીમા કંપનીએ રકમ ચુકવવાની રહેશે. છતાં વીમા કંપનીએ ગ્રાહકને વીમો ચુકવવાની ના પાડી હતી. જેથી તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા મોરબી ગ્રાહક તકરાર નિવારણ અદાલતે વીમા કંપનીને જયદિપસિંહ ઝાલાને રૂા. ૨,૬૩,૬૨૭/- અને રૂા. ૭,૦૦૦/- ખર્ચના મળી કુલ રૂા. ૨,૭૦,૪૨૭/- તા. ૧૨-૦૮-૨૦૨૪ થી ૬% ના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો છે. વધુમાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઈ મહેતા મો. નં. ૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઈ ભટ્ટ મો. નં. ૯૩૨૭૪ ૯૯૧૮૫, રામ મહેતા મો. નં. ૯૯૦૪૭ ૯૮૦૪૮નો સંપર્ક કરવા પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.