ગત રાત્રીએ મહાપાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાંથી 17 જેટલા ઢોર પકડયામોરબી : મોરબી મહાપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર ડબ્બે પુરવાની કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. ગત મોડી રાત્રે મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડમાં ઉતર્યા હતા. તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.મોરબી શહેરમાં વર્ષોથી રસ્તે રઝળતા ઢોરની સમસ્યા વકરી રહી હોય ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરવાની સાથે ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જો કે,મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ઢોર પકડવાની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા અસરકારક રીતે ઢોર પકડવામાં ન આવતા હોવાથી તેનો કોન્ટ્રાકટ રદ કરી મહાપાલિકાની ટિમો જ ઢોર પકડવા મેદાનમાં ઉતરી છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબી મહાપાલિકાની ટિમો દ્વારા રાત્રીના સમયે ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ગત રાત્રીના નગરદરવાજા, જુના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન રોડ, મંગલ ભુવન, રવાપર રોડ સહિતના વિસ્તારમાંથી રસ્તે રઝળતા 17 જેટલા ઢોરને ડબ્બે પૂરવામાં આવ્યા હતા. ઉપરાંત ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની પણ મોડી રાત્રે ફિલ્ડમાં ઉતર્યા હતા. તેઓએ સમગ્ર કામગીરી નિહાળી ટીમોને જરૂરી સુચનો આપ્યા હતા.