પીએસઆઇને વડાપ્રધાનના કાર્યક્રમ માટેની સુરતમાં ફરજ સોપાઈ હતી : રિહર્સલ વેળાએ કોન્વોયના રૂટ ઉપર એક સગીર સાઇકલને આવી જતા પીએસઆઈ બગડયા : ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા પીએસઆઇને કંટ્રોલ રૂમમાં ફરજ ઉપર મોકલી દેવાયાhttps://youtube.com/shorts/8sSCplcSoMA?si=i0tUYoP5tzQh6YBXમોરબી : મોરબીના પીએસઆઇ બી.એ.ગઢવીને વડાપ્રધાનના કાર્યકમ માટે સુરતમાં ફરજ સોપાઈ હતી. ત્યારે રિહર્સલ વેળાએ એક સગીર સાયકલ લઈને કોન્વોયના રૂટ ઉપર આવી જતા તેઓએ વાળ ખેંચીને સગીરને માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ પીએસઆઈને કંટ્રોલ રૂમમાં ફરજમાં મોકલી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગતરોજ સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસે એક 17 વર્ષીય સગીર સાઇકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થઈ રહ્યો છે.આ સગીર ત્રણ મહિના પહેલા નેપાળથી સુરતમાં આવ્યો હતો. તેની માતાનું ટીબીના કારણે નિધન થયું હતું. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતાં. સગીર ભણેલો નથી અને શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો. સગીરના મામાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, કાલે સાંજે 4:30 વાગ્યે તે સાઇકલ લઈને નીકળ્યો હતો. મને લાગ્યું કે, ફરવા ગયો હશે અને મોડે સમય સુધી ઘરે ન આવતાં હું ચિંતિત થયો. પણ 9:30 વાગ્યે તે ઘરે આવ્યો અને રડવા માંડ્યો હતો. તે કહેતો હતો કે, મને ખબર નહોંતી કે ત્યાં શું ચાલી રહ્યું હતું અને અચાનક મને પોલીસ મારવા લાગી. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને કલાકો સુધી રોકી રાખ્યો. હમણાં જ મને છોડ્યો. સગીરના મામાએ વધુમાં કહ્યું કે એ ભણેલો નથી, અને શહેરની રિત-પ્રથાઓ અને નિયમોથી અજાણ છે. પોલીસે તેને સમજાવીને મોકલી દેવો જોઈતો હતો. પણ માર મારવો એ નિર્દયતા હતી.આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં એક રીલ વાઇરલ થયેલી છે, જેની હકીકત એવી છે કે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી. ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી. આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો. આ વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા. જેમણે કરેલું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે. આ પીએસઆઇ બી. એ. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે.