એક લાખ રૂપિયા લઈ ચરાડવાના યુવાનને લૂંટેરી દુલ્હન સાથે પરણાવાયો હતો ટંકારા : લગ્ન ઇચ્છુક યુવાનો પાસેથી પૈસા પડાવી લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવી આપતી નાટકબાજ માસી અંતે ટંકારા પોલીસના સકંજામાં આવી છે. હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનનો પરિચિત મારફતે રાજકોટની માસી સાથે સંપર્ક થયા બાદ આ માસીએ એક લાખમાં લૂંટરી દુલ્હન સાથે લગ્ન કરાવી આપ્યા બાદ દુલ્હન રફુચક્કર થઈ જતા ત્રણ મહિના બાદ ટંકારા પોલીસે મુખ્ય સૂત્રધાર માસીને રાજકોટથી ઝડપી લઈ 25 હજારની રોકડ કબ્જે કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા મુકેશભાઈ ડાયાભાઇ સોલંકી ઉ.40 કુંવારા હોય તેમના બહેનના જેઠના પુત્ર મુકેશભાઈ જીવાભાઈ ચાવડા મારફતે રાજકોટ ઘંટેશ્વર પચ્ચીસ વારિયા કવાટર્સમાં રહેતા જોસનાબેન સાથે પરિચય થયો હતો અને એક લાખ રૂપિયા લઇ આ જોસનામાસીએ તુલસી નામની યુવતી સાથેટંકારા તાલુકાના જીવાપર ગામે એક ધર્મસ્થાનમાં મુકેશભાઈ સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જો કે, લૂંટેરી દુલ્હન તુલસી એક જ દિવસ મુકેશભાઈ સાથે રહ્યા બાદ નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જેમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.બીજી તરફ આ ચકચારી બનાવમાં મુખ્ય સૂત્રધાર એવી માસી જોસનાબેન પોલીસ પકડથી દૂર હતી. દરમિયાન ટંકારા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, લૂંટેરી દુલ્હનને મુકેશભાઈ સાથે પરણાવનાર મૂળ ધ્રોલના જારીયા ગામની વતની આરોપી જોશનાબેન ગુલાબભાઇ મકવાણા હાલમાં રાજકોટ ગોંડલ ચોકડી નજીક ઝૂંપડામાં રહે છે જેથી ટંકારા પોલીસે જોશનાબેનને રોકડા રૂપિયા 25 હજાર તેમજ અન્ય મુદામાલ મળી 27500 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.