અરજદારોને ફરીથી ધરમના ધક્કા થાય તેવી પરિસ્થિતિમોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં બીપીએલ કાર્ડ ધારક અને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેવા વાલીઓને મોરબી મહાનગરપાલિકાનો સિક્કો ફરજિયાત જે-તે દાખલામાં લગાવવો પડતો હોય છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા અધિકારીના નામ વિનાનો માત્ર મોરબી મહાનગરપાલિકાનો જ સિક્કો લગાવાતા શિક્ષણ વિભાગ દ્વારા આવા અરજી ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે વાલીઓ દ્વિધામાં મૂકાયા છે.મળતી વિગતો પ્રમાણે, RTE અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બીપીએલના લાભાર્થીઓ અને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેને અગ્રીમતા આપવામાં આવતી હોય છે. જેના માટે બીપીએલ કાર્ડમાં અને દીકરીના દસ્તાવેજમાં મહાનગરપાલિકાનો સિક્કો મારવો જરૂરી હોય છે. પરંતુ મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર મોરબી મહાનગરપાલિકા લખેલો જ સિક્કો મારવામાં આવે છે તેમાં કોઈ હોદ્દાનો સિક્કો કે નામ લખવામાં નથી આવતું. જેના કારણે શિક્ષણ વિભાગે આવા 70 જેટલા લાભાર્થીની અરજી નામંજૂર કરી છે અને હોદ્દો લખેલો હોય તેવો સિક્કો મારવા જણાવ્યું છે. આ અંગે મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા પણ મોરબી મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને 12 માર્ચ RTE અરજી માટે અંતિમ તારીખ હોય ઝડપથી આ બાબતે કાર્યવાહી કરવા જણાવાયું છે. આ અંગે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદિપસિંહ વાળાએ જણાવ્યું હતું કે આ અંગે શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરીને અરજદારોના ફોર્મ રિજેક્ટ ન થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે.