હાલ રાયના ભાવ રૂ.1000ની અંદર મળી રહ્યા છે, ઓછામાં ઓછો રૂ. 1150 ભાવ આપવા ખેડૂતોની માંગહળવદ : હળવદ પંથકમાં રાયે ખેડૂતોને રોવડાવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. યાર્ડમાં રાયનો પુરતો ભાવ ન મળી રહ્યો હોવાથી ખેડૂતો રોષ પ્રગટ કરી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોએ રાયની હરાજી પણ બંધ કરાવી દીધી છે. હળવદ માર્કેટ યાર્ડમાં રાય, ધાણા અને જીરૂની પુષ્કળ આવક થઈ રહી છે. દરરોજ મોટી સંખ્યામાં આ ત્રણ પાક ખેડૂતો લઈને આવી રહ્યા છે. ત્યારે હાલ રાયનો ભાવ રૂ.1000થી નિચે આપવામાં આવી રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ભાવમાં ખર્ચ પણ નીકળે તેમ નથી. રાયનો ઓછામાં ઓછો રૂ. 1150 ભાવ આપવાની માંગ સાથે ખેડૂતોએ રાયની હરાજી બંધ કરાવી દીધી છે. બીજી તરફ માર્કેટ યાર્ડ તરફથી પણ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી નવી જાહેરાત નહિ થાય ત્યાં સુધી હળવદ માર્કેટ યાર્ડમાં રાયની આવક બંધ રહેશે.