ટંકારા : દ્વારકા સ્થિત દ્વારકાધિશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. હજારો લોકો ટંકારાથી દ્વારકા તરફ પગપાળા જઈ રહ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, સુરેન્દ્રનગર સહિતના પંથકમાંથી લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. આ તમામ પદયાત્રિકો માટે ટંકારા પંથકમાં ઠેર-ઠેર સેવા કેમ્પો ચાલી રહ્યા છે.આ સેવા કેમ્પમાં આયોજકો દ્વારા પદયાત્રિકોને ભાવથી બોલાવીને જમાડવામાં આવી રહ્યા છે. રહેવા માટેની અને ન્હાવા માટેની પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રિકો આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે.જબલપુર ગામ સમસ્ત દ્વારા ચાલતા કેમ્પના સંચાલક વિનોદભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, સતત 19 વર્ષથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ. પંચમુખી હનુમાનજી મંદિરના બ્રહ્મલીન મહંત રામદાસ બાપુ પ્રેરિત આ સેવા કેમ્પ ચાલી રહ્યો છે. રામદાસ બાપુએ આ સેવા કેમ્પની શરૂઆત કરી હતી. તેમના બ્રહ્મલીન થયા બાદ પણ ગામ લોકોના સહયોગથી આ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પ 8 દિવસ ચલાવવામાં આવશે. પગપાળા દ્વારકા જતા પદયાત્રિકોને સવારે ચા-નાસ્તો અને બપોરે અને સાંજે ગરમા ગરમ ભોજન આપીએ છીએ. ગરમ પાણી અને ન્હાવાની પણ સગવડ પૂરી પાડવામાં આવે છે. આરામ કરવા માટે પણ ગાદલા-ઓશિકા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે.