હજુ આવતીકાલે પણ પવન યથાવત રહે તેવી શકયતામોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં આજે પવનની ગતિ વધી છે. ઠંડા પવનને કારણે તાપમાનનો પારો પણ થોડો નીચે આવી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આવતીકાલે આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.ગુજરાત રાજ્યના વાતાવરણમાંછેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ આવીને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આવતીકાલ સુધી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં ગુજરાત રાજ્ય પર ઉતર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા ગત સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાં ભારે હિમવર્ષાની સ્થિતિ સર્જાઇ હતી તથા તે દિશા તરફથી ગુજરાત ઉપર પવન આવી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજના દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉપરાંત અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે. જેને કારણે ઝડપી ગતિએ પવનો ફુંકાઇ રહ્યા છે.