માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) શહેરના પ્રાણ પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી ગત તારીખ 24 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જો કે આજે તંત્ર દ્વારા તમામ પ્રશ્નોને લઈને લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કર્યા છે અને ઉપવાસનો અંત આવ્યો છે.મહત્વનું છે કે, સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણીએ માળિયા (મિયાણા) શહેરના સ્થાનિક પાંચ પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કર્યું હતું. જેમાં માળિયા (મિયાણા)ના બસ સ્ટેશનનું નવ નિર્માણ કરવું, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફરી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવું અને ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું અને રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવા બાબતે આમરણાંત ઉપવાસ શરૂ કરાયા હતા. જેમાં તેઓ 24 ફેબ્રુઆરીના રોજ મામલતદાર કચેરી પાસે ઉપવાસ પર બેઠા હતા. જો કે ગઈકાલે 3 માર્ચના રોજ તેમની તબિયત લથડતાં માળિયા (મિયાણા) શહેરના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખીને તેમના આંદોલનને ટેકો આપ્યો હતો અને તંત્ર સામે આક્રોશ દર્શાવ્યો હતો. આજે માળિયા મામલતદાર દ્વારા તમામ માગણીઓ પૂરી કરવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી જેથી તેમણે પારણા કરીને આમરણાંત ઉપવાસ પૂર્ણ કર્યા હતા.