મહિલાઓએ મહાપાલિકા કચેરી આવી અધિકારીના નામના હાય...હાય...ના નારા લગાવ્યા મોરબી : મોરબીના વાવડી રોડ ઉપરની શ્રીજી સોસાયટીમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન વિકટ બન્યો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ આજે મહાપાલિકા કચેરીએ આવીને અધિકારીના નામના હાય...હાય...ના નારા પણ લગાવ્યા હતા. આ મામલે સ્થાનિક મહિલા કવિતાબેને વિગતો આપતા જણાવ્યું હતું કે વાવડી રોડ ઉપર રવિ પાર્કમાં શ્રીજી સોસાયટી આવેલી છે. ત્યાં એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાઈ છે. ઘરોમા ગંદા પાણી આવે છે. અહીં દરેક બહેનોને સવારે ઉઠીને પહેલા ગટરના પાણી કાઢવાનું કામ કરવું પડે છે. તેઓના જણાવ્યા અનુસાર સ્થાનિકો દ્વારા આવરનવાર રજૂઆતો કરવામાં આવી છે. છતા મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભૂગર્ભ ગટરના રીપેરીંગ માટે ટિમો આવે છે પણ પ્રશ્નનો કોઈ નિવેડો આવતો નથી. ઘણી વખત તેઓ સાંજે આવે છે અને દશેક મિનિટમાં ડ્યુટી પુરી થઈ ગઈ હોવાનું જણાવી નીકળી જાય છે. આ મામલે ડેપ્યુટી કમિશનરે પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે. હવે જો આ પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.