હળવદ : હળવદના સામતસર તળાવના કાંઠે 25 વર્ષથી 100 જેટલા દેવીપૂજક સમાજના લોકો પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. ત્યારે આ સમાજના રહેણાંક ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવતા સમસ્ત દેવીપૂજક સમાજ સામતસર તળાવના કાંઠા નામના સંગઠન દ્વારા આ કાર્યવાહી રોકવાની માંગ સાથે મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, દેવી પૂજક સમાજના લોકો પોતાના પરિવાર સાથે સામતસર તળાવના કાંઠે 25 વર્ષથી અંદાજે 100 જેટલા ઝુંપડાઓ બાંધીને ત્યાં વસવાટ કરે છે. તેમજ આસપાસના ગામડાંમાં છૂટક ફેરીઓ અને મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 3-3-2025ના રોજ તેમની રહેઠાણની જગ્યા ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસરો દ્વારા કાયદાનો દુરૂપયોગ કરી તેમના રહેણાંકને અનઅધિકૃત જાહેર કરી નગરપાલિકાની ટીમને સાથે રાખી ત્યાં રહેતા ગરીબ લોકોના ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં તેમના રોજી - રોટીના સાધન સામગ્રી તેમજ માલ સમાન સહિત મોટરસાયકલને નુકસાન કરી ગરીબ લોકોને આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડેલ છે. ત્યારે આ ગરીબ લોકોની વેદનાને ધ્યાનમાં રાખી તેમના આશરા છીનવી ઘર વિહોણા કરવામાં ન આવે, તેમના પરિવારજનો અને બાળકો સુરક્ષા સાથે શાંતિથી રહી શકે તેમજ આ બુલડોઝરની કાર્યવાહી તાત્કાલીક રોકવા માંગ કરવામાં આવી છે.