મોરબીના રોહિદાસ સમાજ દ્વારા કલેકટર, એસપી, ડીડીઓ અને મ્યુનિ. કમિશનરને લેખિત રજુઆત મોરબી : મોરબીમાં સરકારી કચેરીઓ અને બોર્ડ નિગમની કચેરી બહાર નાગરિક અધિકારી પત્ર મુકવામાં આવ્યો નથી. ત્યારે આ સરકારી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્ર મુકવા બાબતે મોરબીના રોહિદાસ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, પોલીસ અધીક્ષક, મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા મોરબી કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓમાં બોર્ડ નિગમની કચેરી બહાર નાગરિક અધિકારી પત્ર જોવા મળતો નથી. સરકારી કામ માટે આવતા દરેક અરજદારોને સેવા મેળવવાનો અધિકાર છે. તેમજ દરેક સરકારી કચેરીઓમાં કામ - કાજની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. તેમ છતાં અરજદારોએ મહિનાઓ સુધી પોતાના કામ માટે ધરમના ધક્કા ખાવા પડે છે. અથવા પોતાના કામ કાજ માટે બીજો રસ્તો અપનાવી પોતાનું કામ કઢાવવું પડે છે. ત્યારે ગુજરાત સરકારે ગુજરાત જાહેર સેવા અધિકારી 2013 કલમ 4 મુજબ દરેક સરકારી કચેરીઓની બહાર દીવાલ પર નાગરિક સેવા અધિકાર પત્ર મુકવાની જોગવાઈ હોય ત્યારે આપના તાબા નીચે આવતી તમામ સરકારી કચેરીઓમાં બહાર દીવાલ પર નાગરિક સેવા અધિકાર પત્ર મુકવા માંગ કરાઈ છે.