હળવદ : હળવદ તાલુકાના સમલી ગામે આવેલી ગૌચરની જમીનમાં ખેત તલાવડી બનાવવા સામે તથા ગૌચરની જમીનમાં દબાણ દુર કરવા બાબતે મામલતદારને પશુપલાકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.વિજયભાઈ પોપટભાઈ મુંધવા દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, સમલી ગામે સર્વે નંબર 261/1 ગૌચરની જમીન આવેલી છે. જેમાં પશુપાલકો વર્ષોથી ઢોર ઢાખરને ચરાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનું ગુજરાન આ પશુપાલનમાંથી ચાલે છે. ગામમાં બીજી કોઈ ગૌચરની જમીન પણ આવેલી નથી. આ ગૌચરની જમીનમાં ખેત તલાવડી બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. જો ગૌચરની જમીનમાં ખેત તલાવડી બની જશે તો પશુપાલકો પશુઓને ક્યાં ચરાવશે ? આ ગૌચરની જમીનમાં દબાણ પણ કરવામાં આવેલું છે. તો આ જમીનમાં દબાણ દુર કરી અને ગૌચરની જમીન પશુપાલકોને ફાળવી આપવામાં આવે તેવી માગ કરાઈ છે. આ બાબતે અગાઉ 8-8-2024ના રોજ પણ મામલતદારને અરજી કરાઈ હતી. પરંતુ આજદિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી. તો આ ગૌચરની જમીનમાં દબાણ દુર કરી ખેત તલાવડી ન બનવા દેવામાં આવે અને પશુપાલકોને જમીન ફાળવવામાં આવે તેવી મામલતદારને રજૂઆત કરાઈ છે.