મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ તથા સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમો યોજાશેવાંકાનેર : શહેરમાં આવેલી જોગજતી હનુમાનજીની ગુફા રામ ટેકરી ધમલપર-૨ ખાતે 1008 ગુરુદેવ રણછોડદાસબાપુની 39મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેર તથા તાલુકાના તેમજ ગુજરાતભરમાંથી સેવકો અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટા પડશે. ઉજવણીની તડામાર તૈયારીઓ હાલ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે.4 માર્ચના રોજ 1008 ગુરુદેવ રણછોડદાસબાપુની 39મી પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે જોગજતી હનુમાનજી સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે 8 વાગ્યે મારુતિ યજ્ઞ શરૂ થશે જેમાં શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક આહૂતિઓ અર્પણ કરશે જે સાંજે 4-30 વાગ્યે યજ્ઞમાં બીડું હોમવાની સાથે જ યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બાદમાં સાંજે 6 વાગ્યાથી મહાપ્રસાદની શરૂઆત થશે. પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્થાનિક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર (નવાપરા)નું ભજનીક મંડળ જેમાં મગનભાઈ ઝીંઝવાડીયા તથા નામી અનામી ભજનીક, ઉસ્તાદ રાજુભાઈ ડાંગરીયા તથા કિશોરભાઈ ડાંગરીયા રજૂ કરશે. જ્યારે તારીખ 4 માર્ચે રાત્રીના 10 વાગ્યાથી ભજનના આરાધક દલસુખ પ્રજાપતિ, કેતન બારોટ, ભાવેશ પટેલ સુરીલા સ્વરે સંતવાણી જમાવશે. સાથે જ બેન્જો માસ્ટર પંકજ સોઢા તેમજ તબલાં વાદક એકકા ઉસ્તાદ તથા અબ્દુલ ઉસ્તાદ પોતાની કળા પીરસશે. આયોજનને સફળ બનાવવા જોગજતી ગ્રુપના સેવકો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે.દર વર્ષની માફક આગામી સવંત 2081 ફાગણ સુદ 5 ને 4 માર્ચ ને મંગળવારના રોજ 25 હજારથી વધારે ભક્તો દર્શનાર્થે આવશે. તમામ માટે 300 કિલો શુદ્ધ ધીમાંથી લાડુ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ અન્ય પુરવઠો અનાજ, બટેટા, દાળ-ભાત સહિતનો અન્નનો પુરવઠો તેમજ દર્શનાર્થીઓને ભોજન પ્રસાદ માટે ફરજિયાત ભારતીય પરંપરા મુજબ પંગતમાં બેસાડી સ્વયં સેવકો દ્વારા પીરસવામાં આવશે. 25 હજાર લોકોને જમાડવા માટે મોટી સંખ્યામાં સ્વયં સેવકો ખડે પગે સેવામાં રોકાશે. સાથે તમામ લોકોને પીવા માટે મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.