તાત્કાલિક ધોરણે લાઈટ ચાલુ કરાવવા સ્થાનિકો અને વાહન ચાલકોની માગમોરબી : મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર છેલ્લા 8 મહિનાથી લાઇટ બંધ છે. જેના કારણે અવાર નવાર અકસ્માત પણ થાય છે. ત્યારે આ લાઈટ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે. નોંધનીય છે કે, મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બન્યો ત્યારે એક વર્ષ સુધી લાઈટ નાખવામાં આવી નહતી. અને ત્યારબાદ લાઈટ નખાઈ તો તે થોડા દિવસ ચાલુ કરી હતી. જે એક સપ્તાહ ચાલુ રહી ફરી બંધ થઈ ગઈ છે. આ હાઇવે પર બાયપાસ બ્રિજથી લઈને શનાળા - રાજપર ચોકડી સુધી પણ લાઈટ ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. તેમજ આ રોડ 24 કલાક ધમધમતો હોવાથી અહીં અવાર નવાર અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક આ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે.