માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) શહેરના પ્રાણ પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી ગત તારીખ 24 ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે આજે તેમની તબિયત લથડતાં આંદોલનના ટેકામાં માળિયા (મિયાણા) શહેરના વેપારીઓએ બપોર બાદ દુકાનો સજ્જડ બંધ રાખી છે.આમરણાંત ઉપવાસ પર ઉતરેલા જુલ્ફીકારભાઈ સંધવાણીની તબિયત લથડતાં તેમના સમર્થનમાં શહેરના વેપારીઓ આવ્યા છે. માળિયા (મિયાણા) શહેરની બજારો આજે બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે બપોર બાદ બજારો સજ્જડ બંધ જોવા મળી હતી. વેપારીઓએ દુકાન બંધ રાખીને આંદોલન કરનાર જુલ્ફીકારભાઈને સમર્થન આપ્યુ છે.