હળવદ : હળવદના યુવાનનું રાજકોટમાં ખોવાયેલું રોકડ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ પરત કરીને રાજકોટના નિર્ભય મહેતાએ 'પ્રમાણિકતા હજુ મરી પરવારી નથી' તે કહેવત સાબિત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજના મોંઘવારીના યુગમાં કોઈને પૈસા ભરેલું પાકીટ મળે તો મૂળ માલિકને પરતા કરે તેવા જુજ નિષ્ઠાવાન લોકો જોવા મળે છે. ત્યારે રાજકોટના જાણીતા એડવોકેટ સંજયભાઈ મહેતાના પુત્ર નિર્ભય મહેતાએ પોતાની પ્રમાણિકતા બતાવીને જે સત્કર્મ કર્યું તેનો આજે સૌએ ઘડો લેવો જ રહ્યો.બનાવની વિગત એવી છે કે, હળવદના રહીશ દેવ વિજયભાઈ કવૈયા રાજકોટ ખાતે લગ્નપ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગ ઉજવણીના આનંદમાં તેઓનું પાંચ હજારથી વધુની રોકડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બેંકોના એ.ટી.એમ કાર્ડ, સહિતના અગત્યના કાગળો સાથેનું પાકીટ રસ્તામાં પડી ગયું હતું. દરમિયાન વાવડીના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલા નિર્ભય સંજયભાઈ મહેતાને આ પાકીટ મળતા તેમને પાકીટમાં તપાસ કરતા પાકીટના માલિકના અગત્યના ડોક્યુમેન્ટ્સ જોવા મળ્યા હતા. આ તકે પાકીટમાંના પૈસા બાબતે કોઈ પણ લોભનો વિચાર મનમાં લાવ્યા વગર નિર્ભયે પાકીટના મૂળ માલિક દેવભાઈ સુધી પહોંચવાની જહેમત ઉઠાવતા પાકીટના માલિકનો ભેટો થઈ ગયો હતો. દરમિયાન પાકીટમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટસનાં આધારે ખરાઈ કરતા આ પાકીટ દેવ કવૈયાનું જ હોવાનું સાબિત થઈ ગયું હતું. સી.એ.નો અભ્યાસ કરતા નિર્ભય સંજયભાઈ મહેતાએ મૂળ વ્યક્તિને પાકીટ પરત સોંપીને પ્રામાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.