પ્રાથમિક સુવિધાઓ ઉપર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી એક વર્ષમાં મોરબી શહેરની સ્થિતિ સુધારવાના પ્રયાસને બળ આપનારૂ બજેટ હશેમોરબી : મોરબી મહાનગરપાલિકા બન્યાને બે મહિના જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે હવે આગામી થોડા જ દિવસોમાં મહાનગરપાલિકાનું બજેટ રજૂ થવાનું છે. આ બજેટનું કદ અંદાજે રૂ.400 કરોડ આસપાસ રહેવાનું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી મહાનગરપાલિકા તાજેતરમાં અસ્તિત્વમાં આવ્યા બાદ મોરબીને મ્યુનિસિપલ કમિશનર, બે ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ મળ્યા છે. મહાનગરપાલિકા દ્વારા બદલાવ લાવવાનો સક્રિય રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સતત ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે. પણ શહેર મોટું છે સામે સ્ટાફ ઓછો હોવાથી હજુ અનેક સમસ્યાઓ ઠેરની ઠેર છે. તેવામાં મહાપાલિકાના અધિકારીઓ પણ લોકોને ધીરજ રાખવાનું કહેતા આવ્યા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આગામી સપ્તાહે મોરબી મહાનગરપાલિકાનું બજેટ રજૂ થવાની શકયતા છે. આ બજેટ અંદાજે રૂ.400 કરોડની આસપાસનું હશે. બજેટમાં શહેરની પ્રાથમિક સુવિધાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હશે. ખાસ કરી પાણી, રોડ-રસ્તા, ગટર અને સફાઈ સહિતની બાબતોને ધ્યાનમાં લઈ તેને લગતી કામગીરી સઘન બનાવવા માટેની જોગવાઇઓ બજેટમાં સામેલ હશે.