કચરો ઉપાડી ગટરોના ઢાંકણા રિપેર કરવા માગમોરબી : મોરબી શહેરના લગધીરવાસ ગેટ પાસે આજે એક ખુલ્લી ગટરમાં ગૌ માતા પડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે અને આ વિસ્તારમાં કચરો ઉપાડી ખુલ્લી ગટરના ઢાંકણા રિપેર કરવા માગ ઉઠી છે.લગધીરવાસ ગેટ પાસે મોટા પ્રમાણમાં કચરો પડ્યો રહે છે અને ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી અવારનવાર તેમાં ગૌવંશ પડી જતા હોય છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિર્ણય મોરબી મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો નથી. ત્યારે આજે સાંજે 4 વાગ્યાની આસપાસ ખુલ્લી કુંડીમાં ગૌમાતા પડી જતા તાત્કાલિક યદુનંદન ગૌશાળા અને મહાનગરપાલિકાને જાણ કરીને જીસીબીની મદદથી ગૌ માતાને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના સર્વે હિન્દુ સંગઠન દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જો કોઈ બાળક અથવા કોઈ વ્યક્તિ પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તેવા સવાલો પણ ઉઠાવ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આસપાસનો કચરો ઉપાડી લેવામાં આવે અને ગટરના ખુલ્લા ઢાંકણા રિપેર કરી ગટર યોગ્ય રીતે ઢાંકવામાં આવે તેવી માગ ઉઠી છે. જો આમ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના સર્વે હિન્દુ સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.