સ્થાનિકોની મહાપાલિકાને રજુઆત, પાણી પ્રશ્નનો અંત લાવવાની ડેપ્યુટી કમિશનરની બાહેંધરીમોરબી : મોરબીમાં ઉનાળા પૂર્વે જ પાણીના ધાંધિયા શરૂ થયા હોય તેમ બોરીયાપાટી વિસ્તારમાં એક મહિનાથી પીવાનું પાણી ન આવતું હોવાથી સ્થાનિક લોકોએ મહાપાલિકા કચેરીએ ધસી આવીને રજુઆત કરી હતી. જો કે ત્યાંથી તેઓને આ પ્રશ્નનો અંત લાવવાની બાહેંધરી પણ આપવામાં આવી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોરીયાપાટી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી. અહીં અંદાજે 4000 જેટલા લોકો રહે છે. એક મહિના પહેલા પણ રજુઆત કરી હતી ત્યારે મેઈન્ટેન્સ ચાલુ છે તેવું કહેવામાં આવ્યું હતું. હજી સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. અહીં દરરોજ લોકોને ટેન્કર મંગાવવા પડે છે. જેથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આજે મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનરને રજુઆત કરવામાં આવ્યા હતા. રજુઆત સાંભળી ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે પાણી પુરવઠાના એક અધિકારી આજે સાંજ સુધીમાં સ્થળ વિઝિટ લેશે. શુ સમસ્યા છે તે જાણીને તેનું નિરાકરણ લઈ આવવામાં આવશે. અંતમાં સ્થાનિકોએ જણાવ્યું કે જો હવે પાણી પ્રશ્નનો અંત નહિ આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.