ટંકારાના ધ્રુવનગર નજીક વહેલી સવારે બનેલી ઘટનાટંકારા : રાજકોટથી હળવદ તાલુકાના સરંભડા ખાતે આવેલ મોગલ માતાજીના મંદિરે પગપાળા જઈ રહેલા મહિલાને તા.25ના રોજ વહેલી સવારે ટંકારાના ધ્રુવનગર નજીક અલ્ટો કારના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવ બાદ અલ્ટો કારનો ચાલક નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના પરાપીપળીયા ગામે રહેતા અર્જુનદાન શક્તિદાન ગઢવી નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં જીજે - 03 - એનપી - 9146 નંબરની અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25ના રોજ તેમના માતા ક્રિષ્નાબેન તેમજ ફઈબા અને બહેન સહિતના લોકો પગપાળા હળવદ તાલુકાના સરંભડા ખાતે આવેલ મોગલમાતાજીના મંદિરે જતા હતા ત્યારે વહેલી સવારે ધ્રુવનગર નાલા નજીક અલ્ટો કારના ચાલકે તેમના માતા ક્રિષ્નાબેનને પાછળથી ઠોકર મારી ઇજા પહોંચાડી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ક્રિષ્નાબેનને પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે અર્જુનદાન ગઢવીની ફરિયાદને આધારે અલ્ટો કારના નંબરને આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.